ર૦ર૪નું વર્ષ હવે પૂર્ણતાના આરે છે ત્યારે પીજીવીસીએલ દ્વારા પણ હિસાબ-કિતાબ સરભર કરવા માટે બાકી બીલની રિકવરી કરવામાં આવી રહી છે. જેમાં બાકી નાણાં નહીં ભરપાઈ કરનાર આસામીનાં વીજ કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી કરાઈ રહી છે. જેમાં અમરેલી જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓ પાસે પણ રૂ.૯૩ કરોડ જેવી રકમ બાકી હોવાથી વીજતંત્ર દ્વારા પઠાણી ઉઘરાણી થાય તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. અમરેલી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ ર૦ર૪ સુધીમાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બગસરા, લાઠી સહિતની નગરપાલિકાઓનાં વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટના વીજ કનેક્શનની રૂ. ૮૭.૧૭ કરોડ જેટલી બીલની રકમ બાકી છે. જેને લઈને પીજીવીસીએલ દ્વારા જે-તે પાલિકાઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જેમાં વીજતંત્રનાં જણાવ્યા પ્રમાણે, અમરેલી પાલિકા પાસે ૬ર૧.૩૬ લાખ, લાઠી પાલિકા પાસે ૩૮.૮૮ લાખ, બાબરામાં પ૩૦.પ૭ લાખ, દામનગરમાં ૧પપ.૪૩ લાખ, બગસરામાં ૧૪ર૭.૬૮ લાખ, ચલાલામાં ૩૦૯.પ૧ લાખ, સાવરકુંડલામાં ૫૩૦૮.૪૭ લાખ, રાજુલામાં ૩૦પ.ર૪ લાખ, જાફરાબાદમાં ર૦.૮૧ લાખ જેવી વીજબીલની રકમ વોટર વર્કસ અને સ્ટ્રીટલાઇટનાં કનેકશનની બાકી છે. જેને લઈને ગમે ત્યારે વીજજોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. સૌથી વધુ દેવું સાવરકુંડલા પાલિકાનું રૂ. ૫૩૦૮.૪૭ લાખ ઉપરાંતનું છે તો સૌથી ઓછું જાફરાબાદ નગરપાલિકાનું રૂ. ર૦.૮૧ લાખનું દેવું છે. આ અંગે જે-તે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, શહેરી વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને પાણી વિતરણ માટે વીજ કનેકશન લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે છેલ્લા ઘણા સમયથી વોટર વર્કસનાં વીજજોડાણનું બીલ બાકી છે, જે ધીમે ધીમે કરીને વધ્યું હતું અને હાલ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી લાગીને બાકી રકમમાં વધારો થયો છે. હાલ ધીમે-ધીમે નગરજનો પાસેથી વેરાની વસુલાત થઇ રહી છે. નગરજનો દ્વારા જેમ-જેમ કરવેરાની ભરપાઈ કરવામાં આવશે, તેમ-તેમ વીજબીલની બાકી રકમ ભરપાઈ કરવામાં આવશે. હાલ તમામ પાલિકાની આર્થિક સ્થિતિ નબળી છે. નગરજનો સમયસર વેરો ભરતા નથી એટલે વિકટ સ્થિતિ સર્જાવાનો ભય ઉભો થયો છે. જો આગામી દિવસોમાં વીજબીલ ભરવામાં નહીં આવે તો પીજીવીસીએલ દ્વારા વીજજોડાણ કાપી નાખવાથી શહેરોમાં રાત્રીના સમયે અંધારપટ્ટ થવા ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ જવાની ભીતિ છે. બીજી બાજુ પીજીવીસીએલ તંત્રનું કહેવું છે કે, અમરેલી જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓ પાસે વીજબીલ બાકી છે. આ માટે નિયમ પ્રમાણે જે-તે નગરપાલિકાને નોટિસ આપવામાં આવે છે. જેથી વીજજોડાણ કપાતું બચાવવા માટે નગરપાલિકા દ્વારા થોડી રકમ ભરપાઈ કરીને મુદત માંગી લેવાઈ છે. નગરજનોને વીજળી-પાણીની વિકટ સ્થિતિનો સામનો ન કરવો પડે એટલે થોડી રહેમરાહ રાખવામાં આવે છે. પરંતુ જો ઉચ્ચકક્ષાએથી હુકમ થશે તો બાકીદાર નગરપાલિકાનાં વીજજોડાણ ગમે ત્યારે કપાઈ શકે છે. જેથી જે-તે નગરપાલિકાએ કરવેરા કે અન્ય રીતે આવક મેળવીને વીજબીલ ભરપાઈ કરી આપવા જોઈએ.