અમરેલી જિલ્લાની ૪ર૯ ગ્રામ પંચાયતોમાં આજ રોજ મતદાન યોજાયું હતું. વહેલી સવારે ૭ વાગ્યાથી મતદારો મતદાન મથકે પહોંચી ગયા હતાં. શરૂઆતના બે કલાકમાં મતદાન માટે મતદારોએ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાડતા લાંબી લાઇનો લાગી હતી. ત્યારબાદ સમયાંતરે મતદારોએ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાની ગ્રામ પંચાયતોની ટકાવારીના આંકડા જાહેર થયા હતાં. જેમાં અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતમાં સરેરાશ ૭૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. મતદાનમાં પુરૂષોની જેમ મહિલાઓએ પણ જબરો ઉત્સાહ દેખાડ્યો હતો.ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતપેટીઓ લઇ પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી સ્થળે પહોંચી ગયા હતાં.