અમરેલી જિલ્લામાં ૬૩૦ ગામોમાં કાચા-લીંપણવાળા ૧૨૭૩૭ ઘરોમાં પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ૧૨૭૬ આંગણવાડી કેન્દ્રો અને ૮૬૯ શૈક્ષણિક સંસ્થાઓમાં ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં આરોગ્યને લગતી કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં હજુ સુધી ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે તેમજ મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે આવી કામગીરીમાં સતર્કતા દાખવવા ચાંદીપુરાને લગતો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ આરોગ્ય વિભાગને જાણ કરવા સૂચન કરાયું છે. જિલ્લાના ૬૩૦ ગામોમાં મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવ કામગીરી કરવામાં આવી હતી. ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.