ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં થયેલ પાક નુકસાનીનું કૃષિ રાહત પેકેજ જાહેર
ફક્ત કપાસના પાક માટે રાહત પેકેજ જાહેર કરાતા મગફળી પકવતા ખેડૂતોમાં અસંતોષ
વર્ષ ૨૦૨૪ ના ઓક્ટોબર માસમાં રાજ્યોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોમાંથી માંગ ઉઠી હતી. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જુલાઈ મહિનામાં રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં અમુક વિસ્તારનો જ સમાવેશ થતા ખેડૂતોમાં ભારે નારાજગી ઉદ્ભવી હતી અને આ અંગે સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં સુધારો કરી રાજ્ય સરકાર દ્વારા ૬ જિલ્લામાં ફરી વખત રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું. જોકે આ રાહત પેકેજ ફક્ત કપાસના પાક માટે જાહેર થયું હોય મગફળી પકવતા ખેડૂતોને અન્યાય થયો છે. રાહત પેકેજમાં પ્રતિ હેક્ટર ૧૧,૦૦૦ની મર્યાદામાં મહત્તમ બે હેક્ટર સુધી રાહત સહાય જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ૩૦૧ ગામોનો રાહત પેકેજમાં સમાવેશ થતા આજથી રાહત પેકેજ સહાય માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યના છ જિલ્લાના ખેડૂતોને સહાયમાં ઠેંગો, જેનીબેન ઠુંમર
વર્ષ ૨૦૨૪ ના ઓક્ટોબર માસના નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાતા આ અંગે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરે જણાવ્યું છે કે સરકારે ખેડૂતોને અન્યાય કર્યો છે જેમાં અમુક શરતો સાથે રાહત પેકેજ જાહેર કરાયું છે. આ જિલ્લાના ખેડૂતોના મગફળીના પાથરા પણ તણાઈ ગયા હોવા છતાં તેમને રાહતના નામે ઠેંગો બતાવવામાં આવ્યો છે.
ખેડૂતોએ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા તા.૦૨ સપ્ટેમ્બરથી ૧૫ દિવસમાં અરજી કરવી
અમરેલીમાં જિલ્લામાં ૩૦૧ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કપાસ પાકમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે સહાય મળવાપાત્ર છે. અસરગ્રસ્ત ગામોમાં ફક્ત કપાસ પાકના નુકસાનગ્રસ્ત ખેડૂતોએ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે અરજી કરવાનો સમયગાળો તા.૦૨.૦૯.૨૦૨૫ થી ૧૫ દિવસ સુધી છે. આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન વી.સી.ઈ. અથવા વી.એલ.ઈ. મારફત જ કરવી.
તાલુકાના નામ રાહત પેકેજમાં સમાવિષ્ટ ગામની સંખ્યા
અમરેલી ૬૮
કુંકાવાવ-વડિયા ૪૪
ખાંભા ૦૬
જાફરાબાદ ૧૦
ધારી ૨૬
બગસરા ૩૪
બાબરા ૧૫
રાજુલા ૧૮
લાઠી ૩૦
લીલીયા ૨૦
સાવરકુંડલા ૩૦










































