દર દિવાળી વેકેશન બાદ લાભ પાંચમે હીરા ઉદ્યોગ ધમધમતો થાય છે, પરંતુ આ વર્ષે હીરા ઉદ્યોગના મોટાભાગના કારખાનાઓમાં હજુ પણ તાળા લાગેલા જોવા મળે છે, અમરેલી જિલ્લામાં પહેલા ૧૨૦૦ જેટલા હીરાના કારખાનાઓ હતા. જેમાંથી હાલ ૯૦૦ આસપાસના હીરાના કારખાનાઓ અને ૫૦,૦૦૦ જેટલા રત્ન કલાકારો રોજીરોટી માટે હીરા ઘસતા હોય છે. પણ હાલ હીરામાં મંદી એ તો બેરોજગારી લાવી દીધી છે. જેના પરિણામે રત્ન કલાકારો બેકારીના ખપ્પરમાં ધકેલાઇ રહ્યા છે. આમ, હીરા ઘસતા રત્ન કલાકાર અન્ય વ્યવસાય માટે રોજી રોટી મળે તેવા આશયથી કામે લાગ્યા છે.
અમરેલીના ભરત વાઢેર એ પણ રત્ન કલાકાર છે. ભરતભાઈ બન્ને પગે દિવ્યાંગ છે. દિવાળી બાદ હીરાનું વેકેશન લંબાયું હોવાથી ના છૂટકે રત્ન કલાકાર ભરત વાઢેરને સરકારી યોજનાઓના ફોર્મ ભરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સામન્ય રીતે હીરા ઉદ્યોગ લાભ પાંચમથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે લાભ પાંચમ ગયા બાદ પણ હીરાના કારખાનાઓ બંધ હાલતમાં દેખાઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં ખેતી બાદ સૌથી વધુ કોઈ ઉદ્યોગમાં અહીંયા લોકો કામ કરતાં હોય તે હીરા ઉદ્યોગ છે. અહીંના હીરા ઉદ્યોગ પર નિર્ભર રત્ન કલાકારો હીરાના કારખાના બંધ રહેતા બેકાર બન્યા છે.
આ દરમિયાન જિલ્લા ડાયમંડ સેલના પ્રમુખ અને હીરાના કારખાના ધરાવતા ઘનશ્યામ ડોબરિયાએ હીરામાં મંદીનું કારણ યુધ્ધ જણાવ્યું હતું. તેમને જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી યુક્રેન-રશિયા યુદ્ધની અસર અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને નડતા મંદીનું ગ્રહણ લાગ્યું છે. જ્યારે કાચો રફ હીરા રશિયાનો હોવાથી અન્ય દેશો આ હીરાને સ્વીકારતા નથી. પરિણામે અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને હાલ તાળા લાગ્યા છે. આમ, હીરા ઉદ્યોગ ક્યારે ફરી બેઠો થાય તે નક્કી નથી તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાઇ રહ્યું છે.