અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન થયેલા વિવિધ ક્ષેત્રના વિકાસને ઉજાગર કરતી પુસ્તિકા ‘વિકાસ વાટિકા ૨૦૨૪-૨૫’નું જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓએ કરેલા નોંધપાત્ર વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી છે. કલેક્ટર અજય દહિયાએ માહિતી કચેરીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને પુસ્તિકાના નિર્માણમાં પોતાનું માર્ગદર્શન આપ્યું હતું. ‘વિકાસ વાટિકા’માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાઠી ખાતે થયેલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ સંવાદો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમરેલીને મળેલું અત્યાધુનિક બસ પોર્ટ અને રાજમહેલના પુનરોદ્ધાર જેવા મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. આ પુસ્તિકા કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય અને મહિલા વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસની ઝાંખી કરાવે છે, જે અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસનો પરિચય આપે છે.