સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે સમગ્ર જિલ્લો ઠંડોગાર બની ગયો છે. છેલ્લાં બે દિવસથી અમરેલી જિલ્લામાં ઠંડા પવનના સુસવાટાએ કુદરતી કફર્યુ જેવુ વાતાવરણ ઉભુ કરી દીધુ છે. ગઈ રાત્રિથી જ અમરેલી જિલ્લામાં ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે. જિલ્લાની શાળાઓમાં છેલ્લાં બે દિવસથી વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાવા મળી રહી છે. વરસાદની સાથે ઠંડા પવન હોવાથી લોકોને સ્વેટરની સાથે રેઈનકોટ પણ પહેરવાની ફરજ પડી હતી. અમરેલી જિલ્લામાં દિવસભર ધાબડીયું વાતાવરણ રહેવા સાથે પવન ફૂંકાતા દિવસભર ટાઢોડું રહ્યું હતું. લોકોને પંખા તો ઠીક ઠંડાગાર પવનથી બચવા ઘરના બારી બારણા પણ બંધ રાખવાની ફરજ પડી હતી. છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને તેઝ ગતિથી પવન ફૂંકાવા લાગ્યો હતો.
સુસવાટાભર્યા પવનને કારણે જિલ્લાના અનેક શહેરોમાં વીજળી ગૂલ થઇ જતા મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઇ ગયો હતો. આમ, ભારે પવનને કારણે જિલ્લાના લોકો રીતસરના ધ્રુજી ઉઠયા છે.