અમરેલી જિલ્લામાં ખાતરની અછતને ધ્યાને લઈ પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી જે.પી. નડ્ડાને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે અમરેલી જિલ્લામાં કાયમી ખાતરની અછત રહે છે ત્યારે લાઠી, ચિતલ, કુંકાવાવ અને વડીયા રેલવે સ્ટેશન નજીક સરકારી જમીનો પડી છે ત્યાં ગોડાઉન કરી ટ્રેન દ્વારા અહીં ઓફ સિઝનમાં ખાતરનો વધારાનો જથ્થો આ ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જાતી ખાતરની અછતમાંથી ખેડૂતોને મુક્તિ મળે. વધુમાં બાવકુભાઈ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના જીએનએફસી અને જીએસએફસી જે સરદાર અને નર્મદા બ્રાન્ડથી ખેડૂતોમાં લોકપ્રિય છે તો આ બંને કંપનીઓને એક્સટેન્શન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકારની નવી ફેક્ટરીઓ સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાતર મળી રહે તે માટે ઊભી કરવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત કેન્દ્ર સરકારની આરસીએફ અથવા સરકારી ક્ષેત્રની ઇફકો કે કૃભકો ફેક્ટરી પણ સૌરાષ્ટ્રમાં બનાવવામાં આવે તો ખાતરની મુશ્કેલી દૂર થાય તેવું બાવકુભાઈએ જણાવ્યું હતું.








































