રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર કરી દીધી છે જેના ભાગરૂપે અમરેલી જિલ્લાની પર૮ જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાની સાથે જ કહેવત છે કે ‘ડાકલા વાગે ને માતાજી પડમાં આવે’ તેમ ગ્રામ પંચાયત કબજે કરવા રાજકિય પક્ષોના આગેવાનોએ અત્યારથી ગામડાઓમાં પગપેસારો શરૂ કરી દીધો છે. કોઈપણ ભોગે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાના પક્ષનો ઉમેદવાર સરપંચ બને અને પોતાના પક્ષના જ ઉમેદવારો શાસન કરે તે માટે રાજકિય આગેવાનો દ્વારા જારશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતથી લઈ લોકસભાની ચૂંટણી આવે એટલે આગેવાનો દ્વારા લોકોના પ્રશ્નોને કોરાણે મૂકી માત્રને માત્ર પોતાના હિત માટે મસમોટા વચનો આપવાનું શરૂ કરી દેવામાં આવતું હોય છે. છેલ્લાં બે વર્ષથી અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડયો છે જેના કારણે અમરેલી શહેરને જાડતા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો, તાલુકા કક્ષાને જાડતા માર્ગો વચ્ચે મસમોટા ખાડાઓ જાવા મળી રહ્યાં છે. બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે તો વાહનચાલકો અકસ્માતે મોતને પણ ભેટયા છે. જિલ્લાના લોકો આટલી મુશ્કેલી વેઠી રહ્યાં હોવા છતાં રાજકિય આગેવાનો પોતાનો સ્વાર્થ જોઈ છાશવારે રાજકીય મિટિંગો યોજી મનોમંથનના કાર્યક્રમો કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતથી લઈ લોકસભાની ચૂંટણી આવે ત્યારે રાજકિય પાર્ટીઓ એકબીજા પર દોષારોપણ કરવાનું છોડતી નથી જેના કારણે સમગ્ર જિલ્લાનો વિકાસ માત્ર વાતો પર સિમિત રહ્યો છે પરંતુ વાસ્તવમાં વિકાસ થઈ શક્યો નથી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોના અને મુખ્ય માર્ગો એટલા બિસ્માર હાલતમાં છે કે મુસાફરો પણ માર્ગોને લીધે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આમ, જિલ્લાની જનતા છેલ્લાં ઘણા વર્ષોથી મુખ્ય માર્ગોથી પરેશાન છે ત્યારે જિલ્લાના કહેવાતા આગેવાનો અને વિકાસની વાતો કરતા આગેવાનો જિલ્લાના પાયાના પ્રશ્નો હલ કરવા કયારે આવશે? તે પણ એક સવાલ છે. અમરેલી જિલ્લામાં કોઈપણ ચૂંટણી આવે ત્યારે જિલ્લાના રાજકિય આગેવાનો પોતાના પક્ષના ઉમેદવારોને સહકાર આપી ચૂંટી કાઢવા માટે અપીલ કરે છે અને જિલ્લાના ભોળા મતદારો રાજકિય આગેવાનોની વાતમાં આવી ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવે છે પરંતુ વિજેતા બન્યા પછી અમુક નેતાઓ તો લોકોના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દેતા હોવાથી જિલ્લાની જનતાના લલાટે માત્રને માત્ર જાણે હાલાકી જ લખાયેલી હોય તેમ સહન કર્યા કરે છે.

ખાડાઓને કારણે અકસ્માત
અમરેલી જિલ્લાના તંત્ર અને જવાબદાર આગેવાનોના પાપે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગેવાનો માત્ર મિટિંગ કરી લોકો સાથે ચીટીંગ કરી રહ્યાં છે. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. હાલ તો અમરેલી જિલ્લામાં ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’ જેવો ઘાટ સર્જાયો છે.

રસ્તાની કોઈપણ જાતની તપાસ કરાતી નથી!!
જયારે પણ કોઈ જવાબદાર નેતાને રસ્તા બાબતે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે આગેવાનો જવાબદાર તંત્રને સૂચના આપે છે અને કોન્ટ્રાકટર દ્વારા રસ્તાના કામો શરૂ પણ કરવામાં આવે છે ત્યારે રસ્તાની ગુણવત્તા બાબતે કોઈપણ જાતની તપાસ કરવામાં આવતી ન હોવાનું લોકો રોષ સાથે જણાવી રહ્યાં છે.

ખાડાઓ બૂરવા લાખો રૂપિયાના થીંગડા
ગાવડકા ચોકડીએથી અમરેલી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં છે આ માટે અનેકવાર રજૂઆત કરવામાં આવતા આ માર્ગનું નવીનીકરણ કરવાને બદલે ખાડાઓ બૂરવા માટે લાખો રૂપિયાના થીંગડા મારવામાં આવ્યા છે. જા કે થીંગડા માર્યા પછી પણ ખખડધજ માર્ગને કારણે લોકોની હાલતમાં કોઈ ફરક પડયો નથી.

સાવરકુંડલા બાયપાસ માર્ગ કયારે?
સાવરકુંડલા શહેરમાંથી તોતીંગ વાહનો પસાર થતા હોવાથી ગામની વચ્ચેથી પસાર થતો માર્ગ પણ બિસ્માર બન્યો છે ત્યારે તંત્ર દ્વારા માર્ગ પર થીંગડા મારવામાં આવ્યા છે. બાયપાસ માર્ગ ચાલુ થાય તે માટે આગેવાનો દ્વારા આંટાફેરા પણ કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી બાયપાસ માર્ગ શરૂ થયો નથી.

નેતાઓ ટુ વ્હીલર લઈને માર્ગ પરથી પસાર થાય તો ખબર પડે
અમરેલી જિલ્લાના નેતાઓ માર્ગની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે ટુ વ્હીલર લઈને પ્રવાસ કરે તો ખબર પડે. માત્ર મોંઘીદાટ ગાડીઓમાં આંટાફેરા કરતા નેતાઓને માર્ગ બાબતની વાસ્તવિકતાનો ખ્યાલ આવતો નથી તેમ લોકો જણાવી રહ્યાં છે.

અમરેલી શહેરના રસ્તાના જ ખસ્તાહાલ
અમરેલી શહેરમાં પ્રવેશ કરતાની સાથે પાણી દરવાજા પાસે જ રસ્તાના ખસ્તાહાલ જાવા મળી રહ્યાં છે. દર વર્ષે આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જાય છે અને તંત્ર દ્વારા ખાડાઓ બૂરવા માટે લાખો રૂપિયાના થીંગડા મારવામાં આવે છે. લાખો રૂપિયાના થીંગડામાંથી અમુક લોકોના ખિસ્સા ગરમ થાય છે પરંતુ લોકોની સમસ્યા તો તેની તે જ રહે છે. જિલ્લા કક્ષાનું શહેર હોવા છતાં જા અમરેલીના માર્ગોની હાલત આવી હોય તો અન્ય શહેરોની હાલત કેવી હશે તેની કલ્પના કરી શકાય તેમ છે.