રાજ્ય સરકારે અતિવૃષ્ટીથી પાક નુકસાની મામલે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમરેલી સહિત વધુ ૯ જિલ્લાનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરાયો છે. રાજ્ય સરકારે બાકી રહેલા જિલ્લાઓ માટે પ૩૧ કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દીઠ ૬૮૦૦ રૂપિયા ખેડૂતને આપવામાં આવશે. અડધા હેકટર માટે રૂ. ૪ હજાર સહાય આપવામાં આવશે.
મહત્તમ બે હેકટર માટે સહાયનું ચુકવણું કરવામાં આવશે. આવતીકાલ ૬ ડિસેમ્બરથી ર૪ ડિસેમ્બર સુધી આઇ પોર્ટલ પર અરજી સ્વિકારવામાં આવશે. તેની ખરાઇ કરી ખેડૂતોને મળવા પાત્ર સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદને કારણે ખરીફ પાકને ભારે નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ખેડૂત સહાય પેકેજ માટે અમરેલી જિલ્લાના માત્ર ર૧ ગામોને જ પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને ત્રણ તાલુકાના ગામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાબતે અન્ય તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગીનો સૂર ઉઠવા પામ્યો છે.