અમરેલી જિલ્લામાં પોલીસકર્મીઓ વિરુદ્ધ બે ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પ્રથમ ઘટના બાબરા પોલીસ સ્ટેશનની છે, જ્યાં પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ એક સગીરાએ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. સગીરાનો આરોપ છે કે છેલ્લા ચાર મહિનાથી રવિરાજસિંહ તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. બીજી ઘટના અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બની છે. હેડક્વાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ સોલંકી વિરુદ્ધ ૩૦ વર્ષીય મહિલાએ લગ્નની લાલચ આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી છે. આ બંને ગંભીર ઘટનાઓને પગલે અમરેલી પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હાલ તેમની ધરપકડ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચાલી રહી છે. આ ઘટનાઓથી ખાખીને દાગ લાગ્યો છે.









































