અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે જે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. ગત ૯ એપ્રિલની મોડી રાત્રે ૨ઃ૨૪ વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિવિધ વિસ્તારોમાં ૩.૭ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને ભયભીત થયેલા લોકો ગાઢ ઊંઘમાંથી જાગીને તાત્કાલિક રસ્તા પર દોડી આવ્યા હતા. સિસ્મોલોજી વિભાગના સત્તાવાર જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ અમરેલીના રાજુલાથી માત્ર ૩૫ કિલોમીટર દૂર ભાવનગર જિલ્લાના મહુવા પાસે સ્થિત હતું. આ કુદરતી ઘટનાની સૌથી વધુ અસર રાજુલા શહેરમાં જોવા મળી હતી જ્યાં આંચકો એટલો પ્રબળ હતો કે કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાના પ્રાથમિક અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. સાવરકુંડલામાં ધરતીકંપના આંચકાથી નગરપાલિકાની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી.છેલ્લાં બે-ત્રણ દિવસોથી આવતા ધરતીકંપના આંચકાથી લોકોમાં ભારે ભયનો માહોલ જાવા મળી રહ્યો છે. આવી જ કંઈક સ્થિતિ પીપાવાવ રોડ પર જોવા મળી હતી ભૂકંપના સમયે સર્જાયેલી આ અફરાતફરી અને ધ્રુજારીના જીવંત દૃશ્યો અનેક રહેણાક વિસ્તારોના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચેના પટ્ટામાં સતત અનુભવાઈ રહેલા નાના-મોટા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ સતર્ક બન્યા છે અને પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. સતત આવી રહેલા આ ધ્રુજારીના કારણે ગ્રામીણ વિસ્તારોના કેટલાક મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓથી લોકોમાં ફાળ પડી છે. સદનસીબે આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર નથી જે મોટી રાહતની વાત છે પરંતુ વારંવાર આવતા આ આંચકાઓએ આખા પંથકની ઊંઘ હરામ કરી દીધી છે અને લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.








































