અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રુ. ૬,૦૦૦ (ત્રણ સમાન હપ્તામાં) સહાય તેમના ખાતામાં-ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)થી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પોતાના પી.એમ. કિસાન ખાતામાં ત્રણ વિગતો અપડેટ કરાવવી જરુરી છે. આ વિગતોમાં લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી, બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ કરાવવું અને ઈ-કે.વાય.સી. કરાવવું.જે ખેડૂતોને પી.એમ.કિસાનની સહાય મળતી બંધ થઇ ગઈ હોય તેવા ખેડૂતોએ આ ત્રણ વિગત અપડેટેડ છે કે નહિ તે ચેક કરવાનું રહેશે, જે મહત્વનું છે. લાભ મેળવતા ખેડૂતે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને આ વિગતો ચેક કરી લેવાની રહેશે. અથવા આ માટે ગ્રામ પંચાયતના વી.સી.ઇ. મારફત અથવા ગ્રામસેવકની સહાય મેળવી તેમના મારફત આ વિગતો ચેક કરાવી શકાય છે. જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે “NO”/”REJECTED” બતાવે તો લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે સંબંધિત તાલુકાઓની તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો. બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોય તે બેંકનો સંપર્ક કરી શકાશે અથવા જે-તે વિસ્તારના નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફિસ) નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકાશે. ઇ-કે.વાય.સી. કરાવવા માટે જે-તે ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવો અથવા જે-તે ગામના વી.સી.ઇ.નો સંપર્ક કરીને આ વિગતો અપડેટ કરી શકાશે.
આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ તેમની રુબરુ હાજરી જરુરી રહેશે. આ અંગેની વધુ વિગતો માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી અને વિસ્તરણ અધિકારી(ખેતી)નો અથવા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વી.સી.ઇ. અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.