અમરેલી-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી કરેલી રજૂઆતના પરિણામે જિલ્લાના ચાર મહત્વના માર્ગોના વિકાસ માટે રૂ. ૧૫૭.૪૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં અમરેલી-કુંકાવાવ-વડીયા સ્ટેટ હાઇવેના ૨૬ કિલોમીટરના માર્ગને ૫.૫ મીટરથી ૧૦ મીટર પહોળો કરવા રૂ. ૬૭.૫૦ કરોડની ફાળવણી, અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડના ૧૬.૫ કિલોમીટરના માર્ગને ૩.૭૫ મીટરથી ૭ મીટર પહોળો કરવા રૂ. ૪૧ કરોડની મંજૂરી, ચિતલ-રાંઢીયા-લુણીધાર ૧૧ કિલોમીટરના માર્ગને ૩.૭૫ મીટરથી ૭ મીટર પહોળો કરવા રૂ. ૩૬.૨૦ કરોડની ફાળવણી અને બાબરા-ચિતલ-અમરેલી સ્ટેટ હાઇવે પર નાના માચિયાળા બાયપાસથી ઠેબી ડેમના પાળા સુધીના માર્ગને ફોરલેન બનાવવા રૂ. ૧૨.૭૫ કરોડની મંજૂરી મળી છે. આ મહત્વના પ્રોજેક્ટ્સના અમલીકરણથી જિલ્લાના રસ્તાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને પ્રજાજનોને ખરાબ માર્ગોની હાડમારીમાંથી મુક્તિ મળશે.
તાજેતરમાં મુખ્યમંત્રીની અમરેલી મુલાકાતનાં સકારાત્મક પરિણામો વિસ્તારને મળ્યા છે.