અમરેલી-ચાવંડ-ઢસા ચોકડીને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-351F) પર રોડ યુઝર્સની સલામતીને ધ્યાનમાં રાખી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), PIU રાજકોટ દ્વારા રાઈટ ઓફ વે (ROW) વિસ્તારમાં આવેલા તમામ અનધિકૃત દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લાહ ખાને નાગરિકો, વેપારીઓ, હોટેલ અને પેટ્રોલ પંપ સંચાલકો સહિત તમામ મિલકત ધારકોને બે દિવસની અંદર સ્વખર્ચે દબાણ દૂર કરવા અપીલ કરી છે. આ અંગે સંબંધિત લોકોને નિયમ મુજબ નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે.તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગની જમીન જાહેર સંપત્તિ છે અને તેના પર થયેલા દબાણો માર્ગ સલામતી માટે જોખમરૂપ છે. તેથી આવા દબાણો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬થી સાઇટ એન્જિનિયર વત્સલ પરસાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના સહયોગથી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેમજ કાયદા મુજબ કાર્યવાહી પણ હાથ ધરાશે. NHAIએ સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમય બાદ કોઈ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન થતો ખર્ચ અને અન્ય જવાબદારી પણ સંબંધિત દબાણકર્તાઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. સુરક્ષિત અને અવરોધમુક્ત હાઇવે જાળવવા માટે તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.







































