અમરેલીથી ગાવડકા જતા રોડ પર રાત્રિના સમયે મોટરસાયકલ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવની વિગતો મુજબ, ગાવડકા ગામના રહેવાસી અનિલભાઈ ડેડાણીયા ઉનાળાની સિઝન હોવાથી બરફના ગોલા લઈને પોતાના બાઈક પર ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વાંકિયા ગામ તરફથી આવી રહેલી એક રિક્ષા સાથે તેમના બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક ચાલક અનિલભાઈનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માતમાં પાછળ બેઠેલા અરવિંદભાઈ ચાવડીયા નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિક્ષા ચાલક પણ ધાયલ થયા હોવાનું જાણવા મળેલ છે.








































