અમરેલી લોહાણા મહાજનના ઉપક્રમે શરદચંદ્ર શાંતિલાલ આડતીયા પરિવારના અનુદાનથી જલારામબાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૯, ૧૦ અને ૧૧ નવેમ્બર-ર૦ર૧ દરમિયાન અમરેલી ખાતે ૭પ વર્ષ બાદ વિષ્ણુયાગ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં સંત શિરોમણી, જલારામબાપા શ્રીરામ દરબાર, આરાધ્ય દેવ રાધાકૃષ્ણ તથા ૭ જાગણીઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જલારામ ભક્તોમાં અનેરો થનગનાટ દેખાઇ રહ્યો છે. ૭પ વર્ષ બાદ પ્રથમ વખત વિષ્ણુયાગ યજ્ઞ માટે આંતરરાષ્ટ્રીય કર્મકાંડી ભૂદેવોની ટીમ પાર્થભાઇ ત્રિવેદી, રઘુવંશી સમાજના ગોર તરીકે પ્રસ્થાપિત થયેલ નરેન્દ્રભાઇ જાષી, જયદેવભાઇ જાષી તથા ભરતભાઇ જાષીની નિશ્રામાં ચૂસ્ત રીતે વૈદિક પરંપરાઓને અનુસરીને સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિષ્ણુયાગ યજ્ઞ પૂર્ણ થાય તેની જારશોરથી તૈયારીઓ થઇ રહી છે. ત્રણ દિવસ ચાલનારા આ યજ્ઞમાં જલારામ જયંતીના દિવસે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે, તેવો સુયોગ અમરેલીના આંગણે બન્યો છે. વિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ થઇ જલારામ જયંતી એટલે કે કારતક સુદ-૭ના દિવસે સંપન્ન થશે, તેમ લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ સોમૈયા તથા જલારામ મંદિર સમિતિના પ્રમુખ ભાવેશભાઇ આડતીયાની યાદીમાં જણાવાયું છે.