આજે સમગ્ર અમરેલી જિલ્લામાં ભગવાન પરશુરામના પ્રાગટય દિવસની ઉજવણી થનાર છે. તા.રરના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ર૭ જેટલા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. દર વર્ષે અમરેલી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે આતંકી હુમલામાં નિર્દોષ લોકોની હત્યા થતા અમરેલી સહિત અનેક શહેરોમાં શોભાયાત્રા, બ્રહ્મચોર્યાસી સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જા કે અમરેલી શહેરમાં આજે પરશુરામ જયંતીના દિવસે પરશુરામધામ, રેલ્વે સ્ટેશન પાસે, અમરેલી ખાતે સવારના ૮ઃ૦૦ કલાકે પૂજાવિધિ, પરશુરામ ભગવાનની પૂજા-આરતી, બપોરે ૧રઃ૦૦ વાગ્યે અન્નકૂટ અને છપ્પનભોગ આરતી, સાંજે ૭ઃ૩૦ કલાકે પહેલગામમાં શહીદોના આત્માની શાંતિ માટે સર્વો હિન્દુ સમાજ, સાધુ-સંતો, તમામ આગેવાનોને સાથે રાખી મહાઆરતીરૂપે શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. રાત્રિના ૮ઃ૦૦ કલાકે મહાઆરતી યોજાશે. આતંકી હુમલામાં નિર્દોષ લોકોની હત્યા થઈ છે તે તમામ મૃતકોની શાંતિ અર્થે યોજાનાર શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં સર્વ સમાજને પધારવા જિલ્લા અમરેલી જિલ્લા-શહેર બ્રહ્મસમાજ દ્વારા અપીલ કરવામાં
આવી છે.