અમરેલી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશ્વ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પત્રકારોની ભૂમિકા વિશે ચર્ચા કરી પત્રકારોની જવાબદારી વિશે વાત કરવામાં આવી હતી. દેવઋષિ નારદજીની જયંતીના દિને અમરેલીની અવધ હોટલ ખાતે પત્રકારોની હાજરીમાં વિશ્વ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ અજયભાઈ માઢકે નારદજીની જન્મજયંતીએ દેવર્ષી નારદની પત્રકાર સાથે તુલના કરી નારદજીએ અનાદીકાળથી પત્રકાર તરીકે ભૂમિકા ભજવી હોવાનું જણાવી તેમના વિવિધ પ્રસંગોથી હાજર રહેલા પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વકતા અને સાધના સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણે આજનું ભારત કેવું હોવુ જાઈએ અને આજના ભારતમાં પત્રકારોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ખાસ કરીને અખબારમાં છપાતા શબ્દોથી ખરાઈ કરી યોગ્ય શબ્દાવલીનો ઉલ્લેખ કરવા માટે પત્રકારોને જણાવ્યું હતું તેમજ અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષાનો તફાવત સમજાવ્યો હતો ત્યારબાદ પત્રકારો સાથે વિમર્શ કર્યો હતો. આ કાર્યક્રમમાં બાવકુંભાઈ ઉંઘાડ, સૌરભભાઈ મકવાણા સહિત જિલ્લાના પત્રકારો હાજર રહ્યાં હતા તેમ સંજયભાઈ અગ્રાવતની યાદીમાં જણાવાયું છે.