રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી ખાતે યોજાયેલી જિલ્લાની વિવિધ ૧૬ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજકોટ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, ઇફ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવિયા, સહકારી આગેવાનો સહિતનાઓએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે સહકારિતા એ એક જનઆંદોલન છે, તેનું વ્યાવહારિક સ્વરુપ એ ગુજરાતની દેન છે. અમૂલ (ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા) નું દૃષ્ટાંત ટાંકી ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં રહેલી તકોનો તેમણે પરિચય આપ્યો હતો. પશુધન ઓલાદના સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તે માટેના પ્રયાસો થાય તે અનિવાર્ય છે. ઓછાં ખર્ચે વધુ સારુ પશુપાલન થાય તે માટે ભારતીય દેશી પશુ ઓલાદના સેક્સ સાર્ટેડ સિમન રુ.૫૦ જેવી નજીવી કિંમતે મળી રહેશે જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે તેમ છે,
રાજયપાલના હસ્તે સહકારી ક્ષેત્રના પીઢ અનુભવી ૧૦૧ વર્ષીય નારણભાઈ શામજીભાઇ ભંડેરી અને હરિભાઈ કાળાભાઇ સાંગાણીનું વડીલ વંદના-સન્માન કરવામાં આવ્યુ હતું. અમર ડેરીમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ દૂધ ભરનાર પશુપાલક મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રુપાલાએ કહ્યુ કે, અમરેલી ખાતે આઈ.વી.એફ. લેબોરેટરીની સ્થાપના થકી અદ્યતન પશુ ઓલાદ સુધારણામાં લાભ મળશે. મહિલા મંડળી દ્વારા કરવામાં આવેલી રુ.૧૧ કરોડ જેટલી રકમની બચતને પ્રેરક હોવાનું જણાવી ‘બચત બીજો ભાઇ’ એ કહેવત જણાવી પરસોત્તમભાઈ રુપાલાએ બચત કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ ભરતભાઈ સુતરિયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં અમર ડેરીના પ્રારંભ અને વિકાસની વિગત જણાવી. તેમણે કહ્યુ કે, સહકારથી સમૃદ્ધિ મેળવી શકાય છે. ગીર ગાયનું સંવર્ધન થતાં સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તકોનું સર્જન થયું છે તેના લીધે સ્થળાંતર ઓછું થશે. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીને સહકાર ક્ષેત્રનું હબ હોઈ પશુપાલકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને વ્યવસ્થા અને રોજગારીની તકોના નિર્માણ માટે તક હોવાનું જણાવ્યું હતું. વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન અરુણ પટેલે કર્યુ હતુ. આભાર દર્શન મુકેશભાઇ સંઘાણીએ કર્યુ હતું. બાળાઓએ, પ્રાકૃતિક કૃષિના મહત્વ ‘ધરતી કહે પુકાર કે’ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી, આ પ્રસંગે કલેકટર અજય દહિયા, ડીડીઓ પરિમલ પંડ્યા, એસપી હિમકર સિંઘ, સહકારી અગ્રણીઓ, વિવિધ સહકારી મંડળીઓના આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સહકારી ક્ષેત્રના વિકાસ થકી રોજગારીની તકોમાં વધારો: દિલીપ સંઘાણી
નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા, ઇફકો, ગુજકોમાસોલ અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, સહકારી ક્ષેત્રના વિકાસ થકી રોજગારીની તકોમાં વધારો થાય છે. ઉપરાંત ‘સહકારથી સમૃદ્ધિ’ના ઉમદા વિચારને બળ મળે છે. કુપોષણ નાબૂદી માટે પ્રધાનમંત્રીએ પોષણ અભિયાન અમલી કરાવ્યું છે, પોષણ અભિયાનને સાર્થક કરવા દૂધ એ સંજીવનીનું કાર્ય કરશે.
કૌશિક વેકરીયાને અભિનંદન પાઠવતા રાજયપાલ
રાજયપાલે પ્રાકૃતિક કોલેજ અમરેલીમાં લાવવા બદલ ધારાસભ્ય કૌશિક વેકરીયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગાય બચાવવી હોય તો ખેડૂતના ઘરે ગાય હોવી જાઈએ તેમ જણાવ્યું હતુ તેમજ સારી નસલની ગાય રાખવાનો પશુપાલકોને અનુરોધ કર્યો હતો.