અમરેલી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટરએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, વિવિધ કચેરીના અધિકારી એકબીજા સાથે આંતરિક સંવાદ કરી સંકલન સાધે તે આવશ્યક છે. વિકાસ કાર્યોનું અમલીકરણ થાય તે જરૂરી છે. જેતે વિભાગના પ્રશ્નોનું નિરાકરણ થયું હોય તે અંગે પદાધિકારીઓને જાણ કરવા સુચના આપી હતી. આ બેઠકમાં હાજર રહેલાં સાંસદ નારણભાઇ કાછડીયાએ રજૂઆત કરી હતી કે, વિદ્યાર્થીઓને અપડાઉન માટે નિયમિત બસ સુવિધા આપવાની તાતી જરૂરિયાત છે તેમજ પશુ સુધારણા સહાય, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવું ખાનગી કંપનીઓ દ્વારા સામાજિક પ્રવૃત્તિ થાય તે જાવા માટે અંતમાં રજૂઆત કરી હતી. આ બેઠકમાં ધારાસભ્યો વિરજીભાઇ ઠુંમર, જે.વી. કાકડીયા, પ્રતાપભાઇ દુધાતે રસ્તા, પાણી, લઘુત્તમ વેતન, બંધારાનું સમારકામ, પાણીની લાઇન લીકેજ હોય તેના રિપેરીંગ તેમજ જુના કર્મચારીઓના પેન્શન કેસ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
વાવાઝોડા દરમિયાન તૂટી ગયેલ સોલાર પેનલ સમારકામ, રેશન કાર્ડ, ખેડૂતોની જમીન પરની પેશકદમી દૂર કરવી, ડેમ વિસ્તારમાં ભરાયેલ ગાંડી વેલ દૂર કરવી, ગાંડા બાવળ દૂર કરવા, ખેડૂતોને ઉંચા મેડા બનાવવાની યોજનાકીય સહાય આપવી, મુખ્ય માર્ગ પરના નડતરરૂપ બાંધકામ દૂર કરવા, બસ સ્ટેશનનું નવીનીકરણ કરવું, વીજ સંબંધિત પ્રશ્નો અને ભૂગર્ભ ગટરની કામગીરી કરવી. સહિતના પ્રશ્નોની ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ ઉપર જરૂરી હોય ત્યાં કોઝ-વે બનાવી ખેડૂતોને ખેતરમાં જવા માટે માર્ગની સુવિધા મળી રહે તે માટે પણ ઘટતું કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય પ્રતાપ દુધાતે વાસ્મોની કામગીરી બાબતે અભિનંદન પાઠવ્યાં હતાં. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.