અમરેલી કલેક્ટર કચેરી સામે બહુમાળી ભવન પાસે કેટલાક લોકોએ પોતાના અંગત પ્રશ્નોના નિરાકરણ માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ લોકોએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ભેગા થઈને ધરણાં કર્યા અને સાથે જ અન્ન-જળનો ત્યાગ કરીને
“ઈચ્છામૃત્યુ” (આપઘાત)ની અરજી મંજૂર કરવા માટે સરકારી તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ વિનુભાઈ મકવાણાએ નરેશભાઈ ભીખાભાઇ વાળા, અનિલભાઈ ભીખાભાઇ વાળા, પરેશભાઈ મનુભાઈ ચૌહાણ, મનીષભાઈ કાંતિભાઈ વાળા તથા ધીરજભાઇ છગનભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સામે આવ્યું છે કે આરોપીઓએ એટ્રોસિટીનો ગુનો ન બનતો હોવા છતાં, જાણી જોઈને એક જ વિષય પર અલગ-અલગ ત્રણ ફરિયાદો દાખલ કરવાનું ખોટું દબાણ કર્યું હતું. જ્યારે જાહેર ફરજ બજાવતા રાજ્યસેવકો અને પોલીસ દ્વારા તેમને કાયદેસરની ફરજથી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે આરોપીઓએ “જો તેમને અટકાવવામાં આવશે તો પોતે આપઘાત કરી લેશે” તેવી ધમકી આપી હતી. આ ઘટનામાં, આરોપીઓએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલીના જાહેરનામા ક્રમાંક નં. નાચી/પલસ/વશી/૭૯૧/૨૦૨૫, તા. ૧૦/૦૯/૨૦૨૫નો પણ ભંગ કર્યો છે. પોલીસે આ લોકો વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને સરકારી તંત્ર પર દબાણ લાવી આપઘાતની કોશિશ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે, આરોપીઓ પર એકબીજાને મદદગારી કરી ગુનો આચરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.