જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અને નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ રસીકરણથી વંચિત બાળકોનું ઝડપથી રસીકરણ પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે હાલ જિલ્લામાં કોવિડ-૧૯નો એકપણ કેસ નથી અને જરૂરી તબીબી સાધનો, દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ક્લોરિનેશન અને ફોગિંગ પર ભાર મૂકવા પણ તેમણે સૂચના આપી હતી. તમાકુ નિયંત્રણ કાયદાનું કડક પાલન કરાવવા પણ તાકીદ કરાઈ હતી.