અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો કૌશિકભાઈ વેકરીયા, મહેશભાઈ કસવાલા, હીરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ તકે અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઇ હતી. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ, સ્વામીત્વ યોજના બાબતે નાગરિકોને વધુ જાણકારી, માર્ગદર્શન અને વિગતો મળી શકે તે માટે વિશેષ ગ્રામસભા યોજવા સૂચન કર્યુ હતું. તેમના સૂચનને ધ્યાને લઇ આગામી સમયમાં સંબંધિત કચેરીઓના સંકલનથી આ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી જમીન નિરીક્ષકે આપી હતી. આ બેઠકમાં, જનપ્રતિનિધિઓએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓ, સિંચાઈ, પાણી, જમીન માપણી, મૃતકના પરિવારજનોને ચૂકવવાની સહાય, મંડળીઓમાં પ્રાથમિક સુવિધા, મનરેગા અન્વયે વિકાસ કાર્યો અને જમીન સંપાદન, રેકર્ડ પર વિગતો નિયમિત રીતે નોંધવામાં આવે તે સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર અજય દહિયાએ, નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા દિશા નિર્દેશો આપ્યા હતા.










































