રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે રૂ.૧.૮ર કરોડથી વધુના ખર્ચે
અમરેલી સ્થિત તારવાડી ખાતે ઓપન જેલ કેમ્પસમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા કુલ રૂ.૧ કરોડ ૮૨ લાખથી વધુના ખર્ચે પોલીસ જવાનો માટે રહેણાંક હેતુસર અદ્યતન આવાસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કક્ષા બી-૦૭ અને ડી-૦૧ નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોના પરિવારજનો માટે સુવિધાયુક્ત સાથે સુરક્ષિત ઘર મહત્વનું છે. પોલીસ જવાનો પોતાના વતનથી દૂર ફરજ પર હોય છે ત્યારે તેમને રહેણાંકની ઉત્તમ સગવડ પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. સતત કાર્યરત છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ઓપન જેલ ખાતે આવાસ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, પોલીસ પરિવારો રાત દિવસ જોયા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. ઉપરાંત તેમનો પરિવાર સુરક્ષિત વાતાવરણ સાથે સુવિધાયુક્ત આવાસમાં રહે તે જરૂરી છે. રાજ્યમંત્રીએ નવનિર્મિત પોલીસ આવાસની મુલાકાત લીધી હતી અને નવા બનેલ આવાસમાં ગૃહપ્રવેશ માટે પોલીસ પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. અમરેલી ઓપન જેલ ખાતે કક્ષા બી-૦૭ અને ડી-૦૧ નવનિર્મિત આવાસના લોકાર્પણ પ્રસંગે જેલ અધિક્ષક સહિત પોલીસ સ્ટાફ ઉપરાંત પોલીસ પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.








































