અમરેલી એસ.ટી.ડિવિઝન દ્વારા સુરતથી માદરે વતન આવવા માટે આવતીકાલથી ૬૦ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે તો પરપ્રાંતીયોને વતન જવા માટે રપ બસ છેલ્લાં ચાર દિવસથી દોડી રહી છે. અમરેલી એસ.ટી.ડિવિઝન દ્વારા દિવાળી પરના ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંગે વિભાગીય નિયામક અતુલ સોલંકીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ખેતીવાડી સહિત અન્ય કામગીરીમાં શ્રમિકોની સંખ્યા વધારે છે ત્યારે દિવાળીની ઉજવણી શ્રમિકો પોતાના વતનમાં કરી શકે તે માટે એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ ડેપોમાંથી રપ એકસ્ટ્રા બસની ફાળવણી કરવામાં આવી છે. હાલ આ તમામ બસ ફુલ ચાલી રહી છે તો સુરત રહેતા અમરેલી જિલ્લાના લોકો દિવાળીની ઉજવણી કરવા માટે માદરે વતન આવી શકે તે માટે આવતીકાલ તા.૧૮થી ૬૦ બસ દોડાવવાનું આયોજન  કરવામાં આવ્યુ છે. જેથી અમરેલી જિલ્લાના લોકો માદરે વતન પહોંચી શકે આ માટે મોટાભાગની બસનું ગૃપ બુકીંગ પણ કરવામાં આવ્યુ છે. આમ, દિવાળી પર મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.