પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં નવી બસો મોકલવામાં આવી

અનેક રૂટ બંધ રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા. ર૬ અને તા. ર૭ ના બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા. ર૬ ના બપોરે ૩-૩૦ કલાકે કચ્છ પહોંચનાર છે. તેઓ ભૂજમાં બપોરે જંગી જનસભાને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. કચ્છના ભૂજમાં જનસભામાં જનમેદની એકત્ર કરવા સૌરાષ્ટ્રભરમાંથી એસ.ટી.ની ખાસ બસો દોડાવવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ ૧૩૦૦ થી વધુ બસ કચ્છમાં લઈ જવાશે જેમાં અમરેલી એસ.ટી. ડિવિઝનની પણ ૧૭પ બસનો સમાવેશ થાય છે. આ ૧૭પ બસ ટનાટન મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હોવાથી અમરેલી એસ.ટી.ડિવિઝન દ્વારા તમામ નવી બસ મોકલવામાં આવી છે. એક્સપ્રેસ રૂટ ચાલુ રાખવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના લોકલ રૂટ બંધ રહેવા પામ્યા છે. એકસપ્રેસ બસમાં સારી બસને બદલે ઠોઠા જેવી બસ દોડાવવામાં આવી હતી. જેના લીધે મુસાફરોને સમયનો વ્યવ થયો હતો. લોકલ રૂટ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હજુ સંભવતઃ સોમવારે પણ લોકલ બસ રૂટ બંધ રહે તેવી સંભાવના છે. આમ, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં નવી બસ મોકલવામાં આવતા મુસાફરોને ઠોઠા જેવી એક્સપ્રેસ બસમાં મુસાફરી કરવી પડી હતી. અમરેલી એસ.ટી.ડિવિઝન દ્વારા મોટાભાગની બસો બંધ રહેતા ખાનગી વાહન ચાલકોને બખ્ખા થઈ ગયા હતા.