લગ્નગાળો આ વર્ષે ધુમધામથી જઈ રહ્યો હોવાથી તમામ ધંધા-વ્યવસાયકારોને ફાયદો થયો છે.જેમાં
એસ.ટી.તંત્રને પણ આ વર્ષે લગ્નગાળો ફળ્યો છે. કારણ કે નવેમ્બર માસમાં લગ્નગાળા તેમજ અન્ય કાર્યક્રમમાં
એસ.ટી.બસ ભાડે આપવા બદલ અમરેલી એસ.ટી.તંત્રને રૂ.પ.૧પ લાખની આવક થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાને કારણે લગ્ન સમારંભ મોકૂફ રાખવાની વાલીઓને ફરજ પડી હતી. લગ્ન સમારંભ મોકૂફ રહ્યા હોવાથી ડી.જે. ફુલનો વ્યવસાય, મંડપ સર્વિસ, કેટરર્સ સહિત લગ્ન સાથે જોડાયેલા તમામ વ્યવસાયકારોને આર્થિક રીતે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. તો ગુજરાત એસ.ટી.વિભાગને પણ કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યુ હોવાથી ૮ માસ કરતા વધારે સમય એસ.ટી.બસ બંધ રહેતા
એસ.ટી.વિભાગને પણ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો પરંતુ કોરોના હળવો પડતાની સાથે આ વર્ષે ધુમ લગ્નગાળો આવતા અમરેલી એસ.ટી.વિભાગને પણ લગ્નગાળામાં સારી એવી આવક થઈ હતી. જેમાં લગ્નની જાનમાં ખાનગી બસ કરતા એસ.ટી.બસ વધુ સસ્તી પડતી હોવાથી જાનમાં
એસ.ટી.બસ બાંધવાનો ક્રેઝ વધ્યો છે. ડીઝલના વધતા જતા ભાવને કારણે ખાનગી બસ જાનમાં બાંધવી મોંઘી પડતી હતી જેથી માત્ર નવેમ્બર માસમાં લગ્નની જાન સહિત
એસ.ટી.બસ અન્ય કાર્યક્રમમાં ભાડે આપવા બદલ રૂ.પ.૧પ લાખની આવક થઈ છે.
જેમાં અમરેલી ડેપોને રૂ.૧.૯ર લાખ, બગસરા ૪૦ હજાર, ધારી પ૪ હજાર, કોડીનાર ૧૦ હજાર, રાજુલા પ૪ હજાર,
સા.કુંડલા ૧.૩૭ લાખ અને ઉનાને ૩૦ હજારની આવક થઈ છે. હાલ કમૂર્તા ચાલી રહ્યા છે. લગ્નગાળાની સિઝન શરૂ થતાની સાથે ફરી અમરેલી
એસ.ટી. ડિવિઝનને બસ ભાડાની અને મુસાફરોની આવકને કારણે તિજારીમાં વધારે રકમ જમા થશે.