વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે લોકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તથા વપરાયેલ પ્લાસ્ટિક જ્યાં ત્યાં નાખી દેવાના બદલે યોગ્ય જગ્યાએ નિકાલ થાય તેવા ઊદેશ્ય સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમરેલી એસટી વિભાગે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.
જેના ભાગરૂપે અમરેલી એસટી વિભાગીય નિયામક સોલંકી દ્વારા અમરેલી એસટી વિભાગના અમરેલી, ધારી, બગસરા, કોડીનાર, ઊના, રાજુલા, સાવરકુંડલા સહિતના સાત ડેપો તથા ડિવિઝન હેઠળના કંટ્રોલ પોઈન્ટ ખાતે કાયમી સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા એસટી કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમરેલી એસટી વિભાગની વિવિધ બસોમાં મુસાફરી દરમિયાન પણ એસટી સ્ટાફે મુસાફર જનતાને આ બાબતે વિનંતી કરી હતી. અમરેલી એસટી વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી એક નાનકડી છતાં મક્કમ પહેલ દ્વારા લોકોમાં ચોક્કસ જાગૃતિ આવશે.








































