અમરેલી એસટીનાં તમામ નવા બસ રૂટ કોડીનારથી શરૂ કરવા માગણી થઇ રહી છે. એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં ડ્રાઇવર-કંડકટરની ભરતી થશે, આ ઉપરાંત નવા વાહનોની ફાળવણી અને નવા રૂટ શરૂ કરાશે તેવી પણ જાહેરાત થઇ છે. આ સ્થિતિમાં અમરેલી એસટી વિભાગમાં સૌથી ઓછા બસ રૂટ કોડીનાર ડેપોમાં છે. કોડીનારથી સૌરાષ્ટ્ર બહારના માત્ર પાંચ જ બસ રૂટ છે જેની સરખામણીમાં અમરેલી, ધારી, બગસરા, સાવરકુંડલા, રાજુલા, ઉના ડેપો પાસે ઘણા બસ રૂટ છે અને હવે આ ડેપોથી નવા રૂટો શરૂ કરવાની ખરેખર જરૂરિયાત પણ નથી તેવું સ્થાનિકો માની રહ્યા છે. છેલ્લા વીસ વર્ષથી કોડીનાર ડેપોથી લાબા અંતરની એક પણ બસ સેવા શરૂ થઇ નથી. આથી ટૂંક સમયમાં અમરેલી વિભાગમાંથી શરૂ થતાં તમામ નવા બસ રૂટ કોડીનારથી શરૂ કરવા માટે અજીતભાઈ ચાવડાએ વિભાગીય નિયામક-અમરેલીને લેખિત રજૂઆત કરી છે.