અમરેલી જિલ્લામાં બાઈક ચોરોનો આતંક દિનપ્રતિદિન વધતો જાય છે. પોલીસ આવા બાઈક ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરતી હોવાથી બાઈક ચોરીનાં અનડિટેક્ટ ગુના ઉકેલવામાં સફળતા મળી છે. મિલકત સંબંધી ગુનાના આરોપીઓને ઝડપી પાડવા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે એલસીબી ટીમને માર્ગદર્શન આપતા એલસીબી પી.આઈ. વી.એમ.કોલાદરાની ટીમે બાબરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈસમને મોટર સાયકલ સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ હસમુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલા રહે. સનાળી તા.વડીયા હાલ.ખોરાસા તા.વંથલી વાળો હોવાનું જણાવ્યું હતું. આ બાઈક તેમણે ખોરાસા ગ્રામ પંચાયત પાસેથી ચોરી કર્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે આ મોટર સાયકલ ચોરીમાં અન્ય એક ઈસમ રામકુ કાળુ વાઘેલા પણ હોવાનું પોલીસને જણાવ્યું હતું. આરોપીની વધુ પૂછપરછ કરતા હસમુખ ખૂનનાં ગુનામાં મોરબી જિલ્લા જેલ ખાતે કેદી તરીકે હોય અને હસમુખનાં પાંચ દિવસનાં પેરોલ મંજૂર થયા હોય આ પેરોલ દરમ્યાન હસમુખે પોતાનાં ભાઈ રામકુ સાથે મળી મોટર સાયકલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.