અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ, અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.કોલાદરાની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે આઠ શખ્સોને ઝડપી પાડ્‌યા છે. તેમની સઘન પૂછપરછમાં આરોપીઓએ અમરેલી સહિત અલગ-અલગ જિલ્લાઓમાં કુલ ૧૧ ચોરીઓની કબૂલાત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં દેવચંદ ઉર્ફે કાલો સોલંકી, સુનીલ સોલંકી, નીતીન ઉર્ફે સુનીલ સોલંકી, મહંમદકૈફ અંસારી, રાહુલ સોલંકી(માળી), વિજયભાઇ ઉર્ફે હાથી જસાણીયા, મોઇફભાઇ ઉર્ફે મોઇબો હામજા, અને નવનીતભાઇ સાથળીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના કેબલ વાયર (૮૪ કિલો, કિં.રૂ. ૧૬,૮૦૦/-), રોકડ રકમ (રૂ. ૧૦,૪૦૦/-), કટર, ૮ મોબાઇલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બે ફોરવ્હીલ કાર સહિત કુલ રૂ. ૭,૯૫,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.