અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી એરસ્ટ્રીપની ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં થતા બાંધકામોને લગતી સમસ્યાનું નિરાકરણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અગાઉ, અમરેલી એરસ્ટ્રીપનું અદ્યતન કલર કોડેડ ઝોન મેપિંગ ન હોવાને કારણે, નિર્ધારિત મર્યાદામાં થતા બાંધકામો માટે પણ ભારત સરકારના GSR-751 મુજબ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લેવું ફરજિયાત હતું. આ પ્રક્રિયા સામાન્ય પરિવારો અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલ હતી. આ અંગે અનેક લોકો અને આગેવાનોએ ધારાસભ્ય કૌશિકભાઈને રજૂઆત કરી હતી. જેના પરિણામે, તેમણે ઉડ્ડયન મંત્રી અને એવિએશન વિભાગને તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો. આ રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યના ઉડ્ડયન વિભાગે ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં કલર કોડેડ ઝોનિંગ મેપ તૈયાર કરીને જરૂરી પરિપત્ર બહાર પાડ્યો છે. હવેથી, નિયત મર્યાદામાં આવતા બાંધકામોને NOC લેવામાંથી મુક્તિ મળશે. માત્ર નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈ ધરાવતા બાંધકામોને જ NOC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ નિર્ણયથી અમરેલીના બાંધકામ ઉદ્યોગને વેગ મળશે અને સામાન્ય જનતાને ર્દ્ગંઝ્રની લાંબી પ્રક્રિયામાંથી રાહત મળશે.



































