અમરેલી એરપોર્ટ ખાતે રન-વેની લંબાઇ વધારવામાં આવે તેવી સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાને રજૂઆત કરવામાં આવી છે. જા આ એરસ્ટ્રીપની લંબાઇ વધારવામાં આવે તો એટીઆર-૭ર સીટના મોટા પ્લેન પણ લેન્ડ થઇ શકશે અને જેનો લાભ અમરેલીના લોકોને મળશે. સાંસદે રજૂઆત કરી છે કે, હાલમાં આ રન-વેની લંબાઇ ૧પ૦૦ મીટર જેટલી છે, જેના કારણે અહીં ફક્ત નાના અને ચાર્ટર્ડ પ્લેન જ ઉડાન ભરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ અમરેલીએ પણ એરસ્ટ્રીપની લંબાઇ વધારવા સંદર્ભે કલેક્ટર અને નાગરિક ઉડ્ડયન વિભાગને પત્ર લખ્યો હતો. જેને પગલે રનવેની લંબાઇ વધારવા સર્વે કરવામાં આવ્યો હતો. જે મુજબ અમરેલી શહેરની અંદાજિત ર,૦૦,૮૧૭ ચો.મી. અને ગીરીયાની અંદાજિત ૩,૯૯,૩પ૩ ચો.મી. જમીન સંપાદન કરવાની આવશ્યકતા છે.
રનવેની લંબાઇ વધશે તો જિલ્લાના લોકોને રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત, દિલ્લી અને મુંબઇ જેવા મોટા શહેરો સાથે સરળતાથી જાડાણ મળી રહેશે તથા લોકોના સમયનો બચાવ થશે.