અમરેલીથી અંબાજી જતી ST બસને ઉનાવા બસ સ્ટેન્ડ અને મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ મીરા સૈયદ અલી દાતાર દરગાહ પાસે સ્ટોપ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. હાલમાં આ બસ ઉનાવા બાયપાસ પરથી પસાર થાય છે, જેના કારણે સ્થાનિકો અને ખાસ કરીને દરગાહના દર્શનાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. અમરેલીથી અંબાજી તરફ સાંજે ૭ઃ૩૦ વાગ્યે ઉપડતી આ બસને ઉનાવા બસ સ્ટેન્ડ અને દરગાહ પાસે સ્ટોપ આપવામાં આવે તેમજ અંબાજીથી પરત આવતી વખતે પણ ઉનાવા બસ સ્ટેન્ડ સુધી ચલાવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. સામાજિક કાર્યકર જાવેદખાન પઠાણ દ્વારા આ રજૂઆત અમરેલીના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા તેમજ અમરેલી ST ડેપોના ડીસીને કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી અનેક મુસ્લિમ સમાજના લોકો રોજેરોજ મીરા સૈયદ અલી દાતાર દરગાહના દર્શને જતા હોય છે. બસને આ સ્ટોપ મળવાથી તેમને સીધી સુવિધા પ્રાપ્ત થશે અને સમય તથા ખર્ચ બંનેની બચત થશે. આ રજૂઆતનો મુખ્ય હેતુ ધાર્મિક સ્થળના દર્શનાર્થીઓ અને ઉનાવાના સ્થાનિક નાગરિકોને પરિવહનની વધુ સારી સુવિધા પૂરી પાડવાનો છે.








































