અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાના ૧૦૦ જેટલા GSRTC ડ્રાઇવરો અને કંડક્ટરોને સંયુક્ત રીતે રોડ સેફ્‌ટીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન RTO કચેરી અમરેલી અને GSRTC વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ડ્રાઇવરોને વીડિયોના માધ્યમથી માર્ગદર્શન અપાયું હતું, જેમાં વાહન બંધ પડ્‌યેથી રિફ્‌લેક્ટિવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલનો ઉપયોગ કરવા, વાહનને ૫૦ મીટર દૂર રાખવા અને લેનમાં વાહન ચલાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની સલાહ પણ આપવામાં આવી હતી. આ માર્ગદર્શનનો મુખ્ય હેતુ “સલામત સવારી, એસ.ટી. અમારી” ના સૂત્રને સાકાર કરવાનો હતો. આ માહિતી અમરેલીના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવી હતી.