અમરેલીમાં ગુર્જર ક્ષત્રિય સમાજ (GKSS) કર્મચારી મંડળ દ્વારા ગુરૂવાર, તા. ૩૧ જુલાઈના રોજ શ્યામ વાડી, લીલિયા રોડ ખાતે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સમાજની સેવા કરનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં વિભાગના વર્ગ-૧ના નાયબ નિયામક નિલેશકુમાર ઝીણાભાઈ ગોહિલ અને મનીષભાઈ ઝીણાભાઈ ગોહિલનુંGKSS કર્મચારી મંડળ તથા ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિ સમાજના ટ્રસ્ટીઓના હસ્તે પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કાંતાબેન ઝીણાભાઈ ગોહિલનું સન્માન ભાવનાબેન ચોટલીયા અને વનિતાબેન ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં GKSS પ્રમુખ સી.કે. ટાંક, ઉપપ્રમુખ સુરેશભાઈ ટાંક, ગુર્જર ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ મનસુખભાઈ ચૌહાણ, હિરેનભાઈ સોલંકી, કિશોરભાઈ આજુગિયા, ટ્રસ્ટી મંડળના મનુભાઈ ટાંક અને કેળવણી મંડળમાંથી ચીમનભાઈ ટાંક સહિત વિવિધ સમાજિક સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ ચોટલીયાની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં સી.કે. ટાંકે સમાજના કાર્યોની વિગત આપી હતી. સન્માનિત મહેમાનોએ સમાજના વિકાસ માટે શું કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સુરેશભાઈ ટાંક દ્વારા કરવામાં આવી હતી.






































