અમરેલીમા નગરપાલિકા દ્વારા બાકી વેરા અને ભાડાની રકમ વસુલવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે નગરપાલિકા દ્વારા શહેરના વેપારી સોનપાલ બ્રધર્સની શિવ ઇન્ડસ્ટ્રીઝનો વેરો અને ભાડાની બાકી રકમ આઠ લાખ વસુલવા સીલ કરી દેતા બાકીદારોમા ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્‍ત વિગતો મુજબ અમરેલી પાલિકાનાં ચીફ ઓફિસર ઉદય નસીત તેમજ કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાએ બાકી વસુલાત માટે કોઈપણની શેહ-શરમ રાખ્‍યા વગર વસુલાતની કામગીરી અંગે કરવામાં આવેલ તાકીદના પગલે વેરા અધિકારી દિલીપ વઘાસીયા સહિતના પાલિકા કર્મીઓએ ખાસ વસુલાતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વેરાની બાકી રકમ રૂ. ૭.પ૦ કરોડ અને ભાડાની બાકી રકમ રૂ. પ૦ લાખની વસુલી કરવા પાંચ હજાર બાકીદારોને નોટીસો ફટકારવામાં આવી હતી. ત્યારે બાકી રકમ ભરવાની દરકાર નહી કરનાર વેપારી સોનપાલ બ્રધર્સનાં માલિક ભરતભાઈ નંદલાલ સોનપાલ અને મનોજ વસંતલાલ સોનપાલની શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝની બાકી વેરાની રકમ રૂ. ૮ લાખ વસુલવા સીલ કરવામાં આવી હતી.