અમરેલી જિલ્લામાં પોલીસે ભીમ અગિયારસ પર જુગાર રમતાં ઇસમો પર સકંજો કસ્યો હતો. મોટા પાયે જુગારીઓને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. અમરેલીમાંથી પોલીસે સાત મહિલા અને ત્રણ પુરુષો મળી કુલ ૧૦ પત્તા પ્રેમીને જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૫૨૯૦ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સચિનભાઈ મનુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે. ચલાલા ટાઉનમાંથી ચાર ખેલી રૂ.૬૨૦૦ રોકડા સાથે પકડાયા હતા. બાબરાના થોરખાણ ગામેથી ચાર જુગારી ૧૨,૩૨૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયા હતા. રાજુલાના વડ ગામની હદમાં, વડ ગામેથી ચારનાળા તરફ જવાના રસ્તે નદીના પટમાંથી નવ ઇસમો હાથબત્તીના અંજવાળે ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ ૨૬,૫૦૦, હાથબત્તી મળી કુલ રૂપિયા ૨૬,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા, જ્યારે છ ઇસમો ફરાર થઈ ગયા હતા. રાજુલાના વાવડી ગામેથી બે ઇસમો ૨૬૧૦ રોકડા સાથે તીનપત્તીનો જુગાર રમતાં પકડાયા હતા, જયારે ચાર ઇસમો ફરાર થઈ ગયા હતા.