ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલકી સેવા વર્ગ-૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ ૨ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા અગામી તા.૨૬ના રોજ અમરેલી જિલ્લાના ૧૧ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. આ પરીક્ષાને અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોકત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહિ. તેમજ કોઈપણ વ્યક્તિએ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. જે તે પરીક્ષાના મથકોના કમ્પાઉન્ડ હદથી ચારે બાજુ ૧૦૦ મીટરની હદની અંદર પરીક્ષાઓની તા.૨૬/૧૨/૨૧ ના રોજ સવારના ૦૯ઃ૩૦ કલાકથી સાંજના ૧૮ઃ૩૦ કલાક સુધી આ હદની અંદર આવેલ જાહેર માર્ગ ઉપર ૪ કે તેથી વધુ વ્યકિતઓએ એકત્ર થવુ નહિ કે કોઈ વાહન ઉભું રાખવું નહિ. આ સ્થળોના કમ્પાઉન્ડની અંદર કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહિ. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ માં ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે.