નાગરિકોને નિઃશુલ્ક યોગ શિક્ષા (અભ્યાસ)નો લાભ મળી શકે તે માટે અમરેલી શહેરમાં ૧૨ સ્થળોએ વિવિધ યોગ નિષ્ણાંત સેવા આપી રહ્યા છે, સાથો સાથ નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનને આવકારતા અમરેલી ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં યોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા નેચરોથેરાપિસ્ટ એવા ડો. નિકિતા પંડ્યા કહે છે કે, અમરેલી શહેર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટિફાઇડ યોગ ટ્રેનર્સ દ્વારા પણ નિઃશુલ્ક યોગ અભ્યાસ ચલાવવામાં આવે છે. જેમાં યોગ ઉપરાંત ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.










































