અમરેલીના હિરક બાગમાં બનાવવામાં આવેલા નવા વોટર વર્ક્સમાંથી ટૂંક સમયમાં જ શહેરમાં પીવાના પાણીનું વિતરણ શરુ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં વોટર વર્ક્સની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ અંગેની વિગતો આપતા અમરેલી નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના હેડ ચીરાગભાઈ ગજેરાએ જણાવ્યું કે, અમરેલીના હિરક બાગમાં પાલિકા દ્વારા ઓવરહેડ ટેન્ક સાથે નવા વોટર વર્ક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા કામગીરી અંતિમ તબક્કમાં છે અને આગામી ટૂંક સમયમાં શહેરમાં પીવાના પાણીનું વિતરણ શરુ કરી દેવામાં આવશે. ૧૦ લાખ લીટર પાણીની ક્ષમતાની ટાંકી અને ર૦ લાખ લીટરની ક્ષમતાનો સમ્પ છે. રુ. ર કરોડની પાણા ખાણથી પાઈપલાઈન નાખી છે અને લગભગ અઢી કરોડમાં આ કામગીરી થઈ છે. અમરેલીના માણેકપરા, સુખનાથપરા, કેરીયા રોડ સહિતના શહેરના મુખ્ય વિસ્તારમાં આ ટાંકીમાંથી પીવાના પાણીનું વિતરણ કરવામાં આવનાર છે જેનાથી આ વિસ્તારમાં પૂરતા ફોર્સથી પાણી મળશે. લોકાર્પણ બાકી હોય તો પાણી વિતરણ અટકાવી શકાય નહીં એટલે પાલિકા દ્વારા પાણીનું વિતરણ શરુ કરી દેવામાં આવશે.
પાણી ચાલુ કરવા માટે ધારાસભ્યને રજૂઆત
અમરેલીના હિરક બાગમાં બનાવવામાં આવેલા પાણીના ટાંકાનું કામ ઘણા વર્ષોથી ગોકળગાય ગતિથી ચાલે છે. તેમાંથી શહેરમાં લોકોને ઝડપથી પીવાના પાણીનું વિતરણ શરુ કરવામાં આવે તે માટે અમરેલી જિલ્લા વિકાસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગાંધી દ્વારા ધારાસભ્યને રુબરુ રજૂઆત કરવામાં આવી છે. જા કે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા પણ શહેરીજનોને ઝડપથી પીવાનું પાણી મળે તે માટે સતત કાર્યરત છે.








































