અમરેલી શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્થા ‘શેર એન્ડ કેર પરિવાર’ દ્વારા સંચાલિત ‘હરતી-ફરતી લાઇબ્રેરી’ને આજે એક મોટી ભેટ મળી છે. વડોદરા સ્થિત ‘પુસ્તક પરબ’ સંસ્થા દ્વારા રૂ. ૨૫,૦૦૦ની કિંમતનાં પુસ્તકો આ લાઇબ્રેરીને અર્પણ કરવામાં આવ્યાં છે. આ દાન પુસ્તક પરબના સ્થાપક અને અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના સ્થાપક પ્રમુખ ડા. પ્રતાપભાઈ પંડ્યાની પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું છે. મનીષાબેન પંડ્યાના સૌજન્યથી આ પુસ્તકો અર્પણ કરાયાં છે. ૮ સપ્ટેમ્બરના રોજ અમરેલીના લાઠી રોડ પર મામાદેવની જગ્યા નજીક યોજાયેલા એક કાર્યક્રમમાં પુસ્તકો અર્પણ કરાયાં હતાં. આ પ્રસંગે અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના પ્રતિનિધિઓ, સ્થાનિક સાહિત્યકારો અને શેર એન્ડ કેર પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.