અમરેલી શહેરમાં લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે. એક દુકાનદારને સોડા આપવામાં મોડું થતાં તેને ફટકાર્યો હતો. આ બનાવ અંગે ભદ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ (ઉ.વ.૫૨)એ છત્રપાલ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત પ્રમાણે, ભદ્રસિંહની લાઠી ચોકડી, ગુરૂદત્ત પેટ્રોલ પંપની સામે, સતનામ પાન પાર્લર નામની પાન માવાની તથા દ્વારકાધીશ નામની હોટલ પર આરોપીએ મોટર સાયકલ લઇને આવી સોડા માંગી હતી. સોડા દેવામા થોડુ મોડું થતાં તેમની દુકાનની અંદર આવી તેને તથા તેના ભાઇ મહિપતસિંહ ચૌહાણને શર્ટના કાઠલા પકડી, છાતીના તથા ખભાના ભાગે ઘુસતા, લાફા મારી, ગાળો આપી, તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.