અમરેલીમાં બે દિવસ પહેલા અચાનક સાડા ત્રણ ઇંચ કમોસમી વરસાદ પડ્‌યા બાદ આજે આખો દિવસ ભારે ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી અમરેલી પંથકમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનને કારણે સારો વરસાદ થવાની શક્યતા છે. જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હતી. અમરેલી જિલ્લામાં છેલ્લાં બે દિવસમાં સતત ઉકળાટ અને બફારાનો માહોલ રહ્યો હતો. સતત કમોસમી વરસાદને કારણે હવે ગરમીએ માથું ઉચક્યું છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે અમરેલી જિલ્લામાં સાત દિવસ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. જા કે વરસાદ બાદ પણ અમરેલી જિલ્લામાં ગરમીનું જાર યથાવત રહેલું છે. વાવાઝોડા સાથે વરસાદ વરસ્યા બાદ ભારે બફારાથી લોકો અકળાઈ ઉઠ્યા છે.