બે દિવસ પહેલા રાત્રીના સમયે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની બહારપરા વિસ્તારમાં આવેલી બહારપરા પોલીસ ચોકી (સરકારી મિલ્કત)ને એક ઇસમ દ્વારા જાણી જોઇને સળગાવી દેવાના ઇરાદાથી પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી ભરીને લઇ આવી ચોકીની લોબીની ગ્રીલમાં લગાવેલ કાપડ પર તથા પગ લુછણીયા પર છાંટી બાકસની દિવાસળી વડે ચોકીમાં આગ લગાડી બહારપરા પોલીસ ચોકીની સરકારી મિલ્કતમાં નુકસાન કરી નાસી જઇ ગુનો આચર્યો હતો. જે અન્વયે અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમારની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા બનાવ અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી ચોક્કસ બાતમી મેળવી મયંક જગદીશભાઇ મહેતા (ઉ.વ.૨૮)ને ઝડપી પાડ્‌યો હતો.

પાકિસ્તાનથી બોલે છે કહી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા
આરોપી સામે દાહોદ, ભાવનગર વગેરે સ્થળોએ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં બળાત્કાર, અપહરણ તથા રાજ્ય સેવકને ફોન કરી પોતે પાકિસ્તાનથી બોલે છે તથા ઘોઘા સર્કલ તથા ભાવનગર શહેરમાં જુદી-જુદી જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કર્યા છે તેવી ખોટી હકિકત જણાવી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા.