અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરા સાથે બળાત્કારના કેસમાં આરોપી હરેશભાઈ મનુભાઈ માલવિયાને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૩માં દાખલ થયેલ આ કેસમાં આઈપીસી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે પૂરતા પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી, ભોગ બનનાર, પંચો, સરકારી સાહેદો, એફએસએલ અધિકારીઓ, ડોક્ટરો અને તપાસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. ફરિયાદી પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી જે.આર.વાળાએ અસરકારક દલીલો કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનારને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને સમાજમાં ગુનેગારો સામે કડક સંદેશ ગયો છે.










































