લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩ર૩ર-જે ડિસ્ટ્રીક્ટ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી તમામ ક્લબોના સંયુક્ત ઉપક્રમે અમરેલીમાં સંજાગ ન્યૂઝના આંગણે પીસ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સ્પર્ધાના વિષય મુજબના ચિત્રો દોરી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. પીસ પોસ્ટર સ્પર્ધામાં ૬૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સવારથી જ બાળકો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની તૈયારી સાથે સંજાગ ન્યૂઝ ખાતે આવી પહોંચ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે ૩ર૩ર-જેના ડિસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઇ મોવલીયાના અધ્યક્ષસ્થાને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા. જેમાં દિનેશભાઈ ભુવા, કાંતિભાઈ વઘાસીયા, મુકેશભાઈ કોરાટ, જયેશભાઈ પંડ્યા, એમ.એમ. પટેલ સહિતના લાયન્સ ક્લબના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડી.સી. સંજયભાઈ રામાણી, વિજયભાઈ ગુંદરણીયા સહિતના લાયન્સ ક્લબના મેમ્બરોએ ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી.