અમરેલીમાં શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રીની નીચે પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. અમરેલી પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વોત્તર દિશામાંથી ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો હતો. લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની નીચે પહોંચી જતા શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે વહેલી સવારે કડકડતી ઠંડી જોવા મળી હતી, ગત મોડી રાત્રે ઠંડા પવનોનું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું. લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા, રાજ્યના હવામાન વિભાગે કડકડતી ઠંડીની આગાહી કરી હતી, સમગ્ર રાજ્યમાં ખાસ કરીને દરિયાકાંઠાના શહેરો તથા પહાડી વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું, જેની શરૂઆત આજે સપ્તાહના પ્રારંભથી જ જોવા મળી હતી. આજે અમરેલીમાં સવારથી ધીમે ધીમે કડકડતી ઠંડી જામતી જાય છે. આજે તાપમાનનો પારો સડસડાટ ગગડીને ૧૩ ડિગ્રીની નીચે પહોંચી જતા શહેરભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો, લોકો રાત્રી દરમિયાન તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. ઠંડીનો ચમકારો વધતા રાત્રીના સમયે કુદરતી કફર્યુનો માહોલ જોવા મળી રહ્યો છે.