સાહિત્યને વરેલી સંસ્થા ‘શબ્દસમિધ – અમરેલી’ દ્વારા આગામી સોમવાર, ૧૦ ફેબ્રુઆરીના રોજ હોટેલ એન્જલ ખાતે એક ભવ્ય કવિ સંમેલન “પગલાંની રિયાસત”નું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્યની સુગંધને અમરેલીથી અમેરિકા સુધી ફેલાવનાર ખ્યાતનામ કવિ ડા. અશરફ ડબાવાલા અને ડા. મધુમતી મહેતાની કાવ્યયાત્રાને સમર્પિત છે. આ પ્રસંગે આદરણીય છેલભાઈ વ્યાસ પ્રેરક ઉપસ્થિતિ આપી શોભા વધારશે. મુશાયરામાં ગુજરાતના દિગ્ગજ કવિઓ અરવિંદ ભટ્ટ, અનિલ ચાવડા, કૃષ્ણ દવે, ડા. લલિત ત્રિવેદી તથા હરેશ વડાવિયા પોતાની અનોખી કાવ્યશૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. શબ્દસમિધ પરિવાર દ્વારા અમરેલીની સાહિત્યપ્રેમી જનતાને આ કાવ્યમય સાંજનો લ્હાવો લેવા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અક્ષર અને લયના આ સંગમથી અમરેલીનું આંગણું ગુંજી ઉઠશે.









































